પ્રકાશક : Ekatra Foundation
ઉદયન ઠક્કર આજની ગુજરાતી કવિતાનો એેક વિશિષ્ટ જ નહીં, વિલક્ષણ કવિ અવાજ છે. એ અવાજમાં વ્યંજનાનો અંતર્ગૂઢ સૂર છે, તિર્યક્ અભિવ્યક્તિની વેધકતા છે. છંદલયના વિવિધ રણકાર એ પ્રગટાવે છે તો મરમાળી રહેતી બહુરંજકતાનો મુખર ઘોષ પણ એમાં સંભળાય છે. એક જ રસિક ભાવક સામે કે બે-પાંચ રસિકોની નાનીશી મંડળી સામે એ પઠન કરતા હોય કે પછી મોટા સંમેલન-મુશાયરામાં કાવ્યને ‘રજૂ’ કરતા હોય – એમની કવિતા સરખો આનંદ-પ્રતિભાવ પામે છે.
પરંતુ એકાન્ત-વાચનમાં સર્જક તરીકેની એમની સજ્જતા પણ પ્રતીત થાય છે. ગુજરાતીની, દેશ-વિદેશની ભાષાઓની કવિતાનું એમનું વાચન-પરિશીલન; કવિતાનું જ નહીં, મનુષ્યચેતનાને પ્રભાવિત કરતી પૌરાણિક(mythical) કથાસૃષ્ટિમાં ને પ્રાદેશિક-વૈશ્વિક ઇતિહાસ-કથાનકોમાં પણ એમની કેવી, કેટલી રસજિજ્ઞાસા રહેલી છે એ પણ એમની કવિતા વાંચતાં વરતાય છે. એ રીતે એક વ્યાપક ભાવક-સંવેદનાને અને વૈચારિકતાને એમણે કેળવી છે, સર્જક તરીકે ઘૂંટી છે. એ રીતે, ઉદયન આપણા વિદગ્ધ સર્જકોમાંના એક છે.
આ વિદગ્ધતાને એમણે વ્યક્તિ/કવિના અદમ્ય વિસ્મયથી એમની કવિતામાં ગૂંથી છે. અને અભિવ્યક્તિનું એક આગવું, પોતાનું, રચના-સ્થાપત્ય એ સરજતા રહ્યા છે એટલે જાણીતો સંવેદનવિષય હોય એ પણ એમનામાં એક વિશિષ્ટ રૂપ પામે છે.
પરંતુ એકાન્ત-વાચનમાં ટિખળથી, રમૂજ-કટાક્ષથી, તિર્યક્તાથી, બહુરંજન-લક્ષિતાથી ઊપસતું એક ચાતુર્ય પણ પકડાય-પમાય છે. એમાં એમનો કંઈક અળવીતરો, વિલક્ષણ રીતિ-વિશેષ ક્યારેક સ્વાદ્ય બને છે તો ક્યાંક અતિસેવનથી એ ચાતુર્ય એમની રચનાને કવિતાના પરિવેશની બહાર મૂકી દે છે. આસ્વાદ્યતા, ક્વચિત્, ખંડિત થાય છે.
ઉદયન ઠક્કરની કવિતા, ભાવકની સજ્જતાની અપેક્ષા રાખનારી, વિદગ્ધ ભાવકને વધુ આસ્વાદ્ય લાગનારી કવિતા છે. કવિમાં વિસ્મય અને વિદગ્ધતાની જે જુગલબંધી છે એ ભાવકને ચેતો-વિસ્તારનો આનંદ આપનારી છે.
–રમણ સોની
(સંપાદકીય લેખમાંથી)
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ